નવી દિલ્હી/સંભલ: સંભલ જિલ્લાના ચંદૌસીમાં કાશીરામ પરિનિર્માણ દિવસના કાર્યક્રમમાં સામેલ થવા પહોંચેલા ભાજપના સાંસદે પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કરવા માંડ્યા છે. બહરાઈચથી ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ અનામતને લઈને પોતાની જ સરકારના મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યાં. બળવાખોર તેવર દર્શાવતા ભાજપના સાંસદ સાવિત્રી ફુલેએ પોતાની જ સરકાર પર તક સાધુનો આરોપ લગાવીને દલિતોના હિત માટે ભાજપને છોડવાની ધમકી સુદ્ધા આપી દીધી. તેમણે 16 ઓક્ટોબરે મોટો ધડાકો  કરવાની પણ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું કે જય ભીમ ભારતની તાકાત છે અને આજે દેશમાં વિચારોનો સંઘર્ષ ચાલી રહ્યો છે.  આરએસએસ પ્રમુખ મોહન ભાગવત કહે છે કે અનામતની સમીક્ષા કરાશે, પરંતુ જ્યાં સુધી હું છું ત્યાં સુધી અનામતની સમીક્ષા થઈ શકે નહીં. તેમણે કહ્યું કે જો બહરાઈચની બેઠક અનામત ન હોત તો હું સાંસદ બની શકત નહીં. 



તેમણે કહ્યું કે ભાજપે મને ચૂંટણીના મેદાનમાં મારા કહેવા પર નથી ઉતારી પરંતુ તેમને કોઈ વિજયી ઉમેદવાર જોઈતો હતો. હું અનામતના  કારણે જ સાંસદ બની છું. પરંતુ હવે કેન્દ્ર સરકાર અનામતને ખતમ કરવાની તૈયારી કરી રહી છે પરંતુ આપણે આપણા બંધારણને બચાવવું પડશે. આ દરમિયાન તેમણે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. તેમણે પોતાના ભગવા વસ્ત્રોને લઈને પણ વિચિત્ર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ ભગવો રંગ નથી, આ તો તથાગત બુદ્ધનો રંગ છે, જેને બેઈમાનોએ ચોરી લીધો છે.


પોતાની જ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ચૂંટણી આવતા જ ભાજપ દલિત મતો માટે રામ મંદિર, પાકિસ્તાન અને હિંદુ મુસ્લિમ જેવા મુદ્દા ઉઠાવે છે. તેમણે કહ્યું કે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ દલિતોના હિતમાં કામ કરવાનું ભૂલી જાય છ. પરંતુ આ વખતે દલિત સમાજ ભાજપની વાતમાં આવવાનો નથી.